રાજ્યમાં શનિ જયંતિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, મહા આરતી તથા મહાયજ્ઞનું આયોજન
Live TV
-
અમદાવાદના પ્રાચિન દુધેશ્વર શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, મહા આરતી તથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો લ્વાહો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
અમદાવાદના પ્રાચિન દુધેશ્વર શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, મહા આરતી તથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો લ્વાહો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સાથે મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલા 25 કિલો લાડુના પ્રસાદ તથા ભંડારાનો લાભ દર્શનાર્થીઓએ લીધો હતો.
પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવના જન્મસ્થળે ઉજવાઈ શનિજયંતી. સ્વર્ગને બદલે પૃથ્વી પર વસતા દેવોમાં શનિદેવની ગણના થાય છે. આમ તો શનિદેવ પોતાના પ્રકોપને લીધે મનુષ્યોના હ્રદયમાં એક ભયના સ્વરૂપથી વસે છે. પરંતુ શનિદેવના કોપની સાથેસાથે શનિદેવની પ્રસન્નતા પણ અનેરી છે અને તેથી જ અનેક લોકો શનિદેવના મંદિરે જઈ શનિની પૂજા કરે છે. પોરબંદર નજીક આવેલા હાથલા ગામના શનિમંદિરને શનિદેવનું જન્મસ્થળ ગણવામાં આવતું હોવાથી આજે શનિજયંતીના દિવસે અહીં હજ્જારો ભક્તો ઉમટી પડ્યા હતા.
કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈ શનિ મહારાજ હાથી ઉપર બિરાજમાન થઈને એક પીપળના વૃક્ષમાંથી પોરબંદરથી 27 કિલોમીટર દૂર આવેલા હાથલા ગામે પ્રગટ થયા હતા. જે પ્રથમ એક મામા-ભાણેજની જોડીને દર્શન દેતા આ મામા-ભાણેજની જોડીએ અહીં શનિદેવનું મંદિર બનાવ્યું છે. 9 મી સદીમાં બનેલું આ મંદિર પૌરાણિક હોવાથી આ જન્મસ્મારકને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યું છે. અહીં શનિદેવની સાથેસાથે સાડા સાતી અને અઢી વર્ષની પનોતી પણ બિરાજમાન છે.
અહીં શનિદેવના મંદિરે દૂર-સુદૂરથી અનેક ભક્તો દર્શન કરવા આવે છે. આવા જ રાજસ્થાનના નાગોર જિલ્લાના મોલાસા ગામના ઓમપ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી દર શનિજયંતીએ અહીં આવે છે અને તેમને આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે.
તેવી જ રીતે જામજોધપુરના હમીરભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ અવારનવાર શનિદેવના મંદિરે દર્શન કરવા આવે છે, તેમનાથી તેમના અને તેમના પરિવારના તમામ ધાર્યા કામોમાં સફળતા મળે છે.
હાથલા ગામે આવેલ શનિદેવના મંદિરની શનિદેવના જન્મદિવસ નિમીતે આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મુલાકાત લીધી હતી અને શનિદેવના આશિષ મેળવ્યા હતા.