વરસાદને રીઝવવાની પારસી સમાજની ઘી-ખીચડીની અનોખી પરંપરા
Live TV
-
પવિત્ર બહેમન મહિનાના રોઝદિનની ઉજવણી આનંદ-ઉલ્લાસપૂર્વક કરી વરસાદને રીઝવવાની અનોખી રીતની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતમાં પ્રકૃતિને ખુશ કરવાની અને તેની પૂજા કરવાની પદ્ધતિ દરેક ધર્મોમાં કોઈને કોઈ રીતે જોવા મળે જ છે. નવસારીના પારસી સમાજ દ્વારા આ વર્ષે પણ વર્ષોની પરંપરા પ્રમાણે, પવિત્ર બહેમન મહિનાના રોઝદિનની ઉજવણી આનંદ-ઉલ્લાસપૂર્વક કરી વરસાદને રીઝવવાની અનોખી રીતની ઉજવણી કરવામાં આવી હતી.
નવસારી પારસી સમાજ વરસાદને રીઝવવાની અનોખી પરંપરા વર્ષોથી નિભાવતા રહ્યા છે. નવસારી પારસી સમાજે વરસાદ રીઝવવાની શરૂઆત ૧૯૫૯ના વર્ષમાં આવેલ દુકાળનાં સમયથી કરી હતી. તેઓ ઘી-ખીચડીનો કાર્યકમ યોજી મેઘરાજાને રીઝવે છે.
આ પરંપરામાં પારસી સમાજના બાળકો અને પુરુષો સમાજના દરેક ઘરે ઘરે ફરી અનાજોનું(દાળ, ચોખ, ઘી, અને તેલ) ઉઘરાણું કરી એક સાથે ભોજન કરે છે. આ દિવસ ઘી-ખીચડી દિવસ તરીકે પણ ઓળખાય છે. તેઓ વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત "ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદ જીતો આયેગા"નું ગીત ગાઈ સામૂહિક ઘી- ખીચડીનું ભોજન કરે છે.
ભારતમાં પારસીઓ ગુજરાત રાજ્યના સંજાણ બંદરે આગમન કરી દૂધમાં સાકર ભળે તેમ આપણા દેશમાં ભળી ગયા હતા. આ પારસી ધર્મમાં બહેમન મહિનો પવિત્ર કહેવાય છે. આ માસમાં પારસીઓ માંસ-માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન કરે છે. આ જ મહિનામાં તેઓ પોતાના કુટુંબના મૃત્યુ પામેલ પિતૃઓની પણ પૂજા કરે છે.