આઈપીએલમાં આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે ટક્કર
Live TV
-
હૈદરાબાદની ટીમે છેલ્લી દસ મેચમાંથી આઠ મેચ જીતીને ૧૬ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. બીજી તરફ ચેન્નઈની પણ જગ્યા ફાઈનલ જેવી જ છે.
હૈદરાબાદની ટીમે છેલ્લી દસ મેચમાંથી આઠ મેચ જીતીને ૧૬ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. બીજી તરફ ચેન્નઈની પણ જગ્યા ફાઈનલ જેવી જ છે. હવેના સંજોગોમાં બાકીના બે સ્થાન માટે ચાર ટીમો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. આ ટક્કરના પહેલાં ભાગરૂપે દિલ્હીની ટક્કર ગુરુવારે હૈદરાબાદ સામે થવાની છે. દિલ્હી અત્યાર સુધીમાં દસમાંથી ત્રણ જ મેચ જીતી શકી છે. આ જોતાં તેણે પ્લે ઓફમાં પહોંચવું હોય તો તેણે પોતાની બાકીની ચારેય મેચ મોટા માર્જિન અને રનરેટ સાથે જીતવી પડશે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં અત્યાર સુધીમાં દિલ્હી અને હૈદારબાદ વચ્ચે ૧૧ વખત મુકાબલા થયા છે તેમાંથી હૈદરાબાદ સાત વખત વિજયી થયેલું છે. આ જોતાં દિલ્હી સામે હૈદરાબાદનું પલ્લું ભારે જણાય છે. આઈપીએલની વર્તમાન સિઝનમાં હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થયેલી ટક્કરમાં હૈદરાબાદનો સાત વિકેટે વિજય થયો હતો. આ જોતાં દિલ્હી પોતાના પરાજયનો બદલો લેવા તત્પર હોય તેમ જણાઈ રહ્યું છે.
ઓપનિંગ સૌથી મોટી સમસ્યા છે
દિલ્હીમાં અત્યારે બેટિંગની સમસ્યા છે, ખાસ કરીને દિલ્હી માટે ઓપનિંગની સમસ્યા સૌથી મોટી છે. હાલમાં તેઓ સતત ઉતાર-ચડાવમાંથી પસાર થઈ રહ્યા છે. યુવા ખેલાડી પૃથ્વી શો સરી બેટિંગ કરી રહ્યો છે તેમ છતાં શ્રેયસ ઐયરની ટીમ સારો સ્કોર બનાવવામાં પાછી પડી રહી છે. પૃથ્વી ઉપરાંત શ્રેયસ અને વિકેટકિપર ઋષભ પંત પણ સારી બેટિંગ કરતો હોવાથી હૈદરાબાદ સામે સારો સ્કોર બને તેવી આશા છે. હૈદરાબાદ સામેની મેચમાં દિલ્હી હવે ગ્લેન મેક્સવેલને સ્થાન આપે છે કે નહીં તે જોવાનું છે.
દિલ્હીની બોલિંગમાં સુધારો લાવવો પડશે
દિલ્હીએ વિરોધી ટીમ સામે જીતવા માટે ધારદાર બોલિંગ કરવી જ પડશે. હાલમાં દિલ્હી પાસે ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન અને ઈંગ્લેન્ડનો લિયામ પ્લંકેટ સારી બોલિંગ કરી રહ્યા છે. તે ઉપરાંત ઓલરાઉન્ડર વિજય શંકર સાથે સ્પિનર અમિત મિશ્રા સારો તાલમેલ સાધી રહ્યો છે પણ વિરોધીઓને મોટો સ્કોર કરતા અટકાવવા આ પૂરતું નથી.
બોલિંગ જ સનરાઈઝર્સની સૌથી મોટી તાકાત
સનરાઈઝર્સ હૈદરાબાદની આ વખતની મોટાભાગની મેચ લો સ્કોરિંગ અથવા તો સામાન્ય સ્કોર ધરાવતી જ થઈ છે. આવા સામાન્ય સ્કોર છતાં તેણે આઠ મેચમાં વિજય મેળવ્યો છે. હૈદરાબાદ પાસે તેની બોલિંગ જ સૌથી મોટી તાકાત છે. અફઘાનિસ્તાનનો યુવા બોલર રાશિદ ખાન અને બોંગ્લાદેશનો શાકિબ અલ હસન ખૂબ જ સારી રીતે બધું જ સંભાળી રહ્યા છે. બીજી તરફ સ્પિનરોને સાથ આપવા માટે ભુવનેશ્વર કુમાર અને સિદ્ધાર્થ કૌલ જેવા ઝડપી બોલરો પણ છે. વિલિયમ્સન બેટિંગ બાબતે જાતમહેનત કરીને સ્કોર કરી રહ્યો છે. વિલિયમ્સનને જો શિખર, હેલ્સ, સાહા અને મનીષ પાંડોનો સાથ મળે તો તેઓ મોટો સ્કોર કરવા સક્ષમ છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર તરીકે યુસુફ પઠાણ પણ તેમની સાથે હોવાથી તેમનું પલડું ભારે છે.