એશિયન ગેમ્સ 2018ના છઠ્ઠા દિવસે બે ગોલ્ડ મેડલ સાથે ભારતની શાનદાર શરૂઆત
Live TV
-
એશિયન ગેમ્સ 2018ના છઠ્ઠા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી છે. છઠ્ઠા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા
એશિયન ગેમ્સ 2018ના છઠ્ઠા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી છે. છઠ્ઠા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ પુરૂષ ક્વોડ્રિયલ સ્કલ્સમાં મળ્યો છે. નૌકાયન ટીમના સ્વર્ણ સિંહ દત્તુ ભોકા નાલ ઓમ પ્રકાશ અને સુખમીત સિંહે ગોલ્ડ અપાવ્યો હતો. બીજો ગોલ્ડ મેડલ ટેનિસમાં મળ્યો હતો. પુરૂષ ડબલ્સમાં રોહન બોપન્ના અને દીવીજ શરણની જોડીએ કઝાકીસ્તાનની જોડીને ફાઇનલમાં 6-3 6-4થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં હિના સિધુએ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રોહિત કુમાર અને ભગવાન સિંહે પુરૂષ - લાઇટ વેઇટ - ડબલ્સ - સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે રોવર દુષ્યંતે પુરૂષ -લાઇટ વેઇટ - સિંગલ - સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઇટ વેઇટ ડબલ્સમાં મેડલ મેળવનાર રોહિત કુમાર અને ભગવાનસિંહની ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. પી.એમ.એ કહ્યું હતું કે એશિયન ગેમ્સમાં રોહિત કુમાર અને ભગવાનસિંહની જોડીને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેમના શાનદાર પ્રદર્શને આખા દેશને ખુશ કરી દીધા છે. ખેલ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ આ બંને ખેલાડીઓને બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતના હાલ 6 ગોલ્ડ ચાર સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે 23 મેડલ થઈ ગયા છે. ભારત સાતમાં સ્થાને છે. ચીન 60 ગોલ્ડ 41 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે કુલ 123 મેડલ મેળવી પ્રથમ સ્થાને છે.