બોલ ડે-નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું સમાપન, જામનગર મેયર ઈલેવન ટીમનો શાનદાર વિજય
Live TV
-
ગુજરાતના આઠ મહાનગરોની મેયર અને કમિશનર ઇલેવન વચ્ચે જામનગર મહાનગરપાલિકાના યજમાન પદે યોજાયેલી ઇન્ટર કોર્પોરેશન સિઝન બોલ ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ગઇકાલે મોડી રાત્રે સમાપન થયું હતું.
ગુજરાતના આઠ મહાનગરોની મેયર અને કમિશનર ઇલેવન વચ્ચે જામનગર મહાનગરપાલિકાના યજમાન પદે યોજાયેલી ઇન્ટર કોર્પોરેશન સિઝન બોલ ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ગઇકાલે મોડી રાત્રે સમાપન થયું હતું. ફાઇનલમાં જામનગર મેયર ઇલેવને સુરત મેયર ઇલેવનની ટીમને પરાજય આપી શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો અને મેયર કપ દરમિયાન વિજયનો સિલસિલો યથાવત રાખ્યો હતો જ્યારે કમિશ્નર ઇલેવનની ટીમો વચ્ચે ફાઇનલમાં સુરત કમિશનર ઇલેવને જામનગર કમિશનર ઇલેવનને પરાજય આપી વિજય પ્રાપ્ત કર્યો હતો. મેયર કપની રોમાંચક ફાઇનલ મેચો નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને રાજ્યના કેબિનેટ મંત્રી આર સી ફળદુ તેમજ સાંસદ પુનમબેન માડમ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના ઐતિહાસિક અજીત સિંહ ક્રિકેટ પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે છેલ્લા એક સપ્તાહથી રાજ્યના આઠ મહાનગરો વચ્ચેની કમિશ્નર અને મેયર ઇલેવન વચ્ચે મેયર કપ સિઝન બોલ ટુર્નામેન્ટ ચાલી રહી હતી જેનું સમાપન ગઈ કાલે ફાઇનલ સેરેમની બાદ થયું હતું. આ મેયર કપ ટુર્નામેન્ટ બે ગ્રુપમાં રમાડવામાં આવી હતી જેમાં એક ગ્રૂપમાં કમિશ્નર ઇલેવનની ટીમો જ્યારે બીજા ગ્રૂપમાં મેયર ઇલેવનની ટીમો ક્રિકેટ રમી રહી હતી જેમાં ફાઇનલના અંતે કમિશ્નર ઇલેવનમાં સુરતનો જ્યારે મેયર ઇલેવનમાં જામનગરનો ઝળહળતો વિજય થયો હતો.
નાઇટ મેચના ફાઇનલ સેરેમનીના અંતે જામનગર મેયર ઇલેવન અને સુરત મેયર ઇલેવન વચ્ચે ચાલી રહેલ મેચમાં છેલ્લા એક દડે જામનગર મેયર ઇલેવન ને ત્રણ રનની જરૂર હતી ત્યારે નગરસેવક આનંદ રાઠોડે ચોકો મારી શાનદાર જીત મેળવ્યાની સાથે જ
ઉપસ્થિત તમામ જનમેદની ગ્રાઉન્ડની વચ્ચે દોડી આવી હતી અને એક મિની આઇપીએલ જેવો માહોલ છવાયો હતો ત્યારે ઢોલ નગારા અને ડાન્સના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને આતશબાજી કરી વિજય ઉત્સવ કરવામાં આવ્યો હતો.ફાઇનલ સેરેમનીમાં ફાઇનલ મેચમાં વિજય થયેલ જામનગર મેયર ઇલેવન અને રનર્સ અપ થયેલ સુરત મેયર ઇલેવનને મોડી રાત સુધી ફાઇનલ સેરેમની નિહાળવા ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી આર સી ફળદુ અને સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બન્ને મહાનગરોના મેયરના હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.